Resume બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું? એક સારો Resume બનાવવો હોય તો આ બાબતો જરૂર જાણો.


Share

નોકરી શોધતી વખતે ઘણી વખત ઉમેદવારો પોતાની લાયકાત અને અનુભવ હોવા છતાં યોગ્ય તક મેળવી શકતા નથી. તેનું એક કારણ Resume પણ હોઈ શકે છે. કારણ કે કંપનીમાં અરજી કર્યા પછી ભરતી કરનાર વ્યક્તિ સામાન્ય રીતે સૌપ્રથમ તમારો Resume જુએ છે. તેના આધારે તે નક્કી કરે છે કે તમારી પ્રોફાઇલ નોકરી માટે યોગ્ય છે કે નહીં.

Resume બનાવવો એટલે માત્ર નામ, અભ્યાસ અને અગાઉની નોકરીની વિગતો લખવી એટલું જ નથી. તમારી પાસે જે આવડત અને અનુભવ છે, તેને એવી રીતે રજૂ કરવો જરૂરી છે કે વાંચનારને તમારી પ્રોફાઇલ સરળતાથી સમજાય. Resume બનાવતી વખતે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવાથી પણ તમે તેને વધુ સારી રીતે તૈયાર કરી શકો છો.

1. Resume ટૂંકો અને સમજવામાં સરળ રાખો

Resume માં દરેક પ્રકારની માહિતી લખવાની જરૂર નથી. ભરતી કરનાર પાસે અનેક ઉમેદવારોના Resume હોય છે, તેથી લાંબા અને બિનજરૂરી વિગતોવાળા Resume વાંચવામાં રસ ઓછો થઈ શકે છે.

જો તમે ફ્રેશર છો, તો સામાન્ય રીતે એક પેજનો Resume પૂરતો રહે છે. જ્યારે અનુભવ ધરાવતા ઉમેદવારો પોતાના કામ અને જવાબદારીઓ પ્રમાણે એકથી બે પેજમાં માહિતી આપી શકે છે. મહત્વની વાત એ છે કે Resume માં તમારી નોકરીને લગતી વિગતો સ્પષ્ટ રીતે દેખાવી જોઈએ.

2. Resume માં જરૂરી વિગતો ઉમેરવાનું ભૂલશો નહીં

Resume બનાવતી વખતે કેટલીક વિગતો એવી હોય છે જે નોકરી માટે તમારી પ્રોફાઇલ સમજવામાં મદદ કરે છે. તેથી Resume માં નીચેની માહિતી યોગ્ય રીતે ઉમેરવી જોઈએ.

  • પૂરું નામ અને સંપર્કની માહિતી
  • Career Objective અથવા Professional Summary
  • શૈક્ષણિક લાયકાત
  • અગાઉનો કામનો અનુભવ
  • ટેકનિકલ અને Soft Skills
  • કમ્પ્યુટર જ્ઞાન
  • ઇન્ટર્નશિપ અથવા પ્રોજેક્ટની વિગતો
  • પ્રમાણપત્રો અને સિદ્ધિઓ

તમારી પાસે જે માહિતી છે તેમાંથી નોકરી માટે ઉપયોગી વિગતો પસંદ કરો. માત્ર Resume મોટું દેખાય તે માટે વધારાની માહિતી લખવાનો કોઈ ખાસ ફાયદો નથી.

3. ફ્રેશર અને અનુભવી ઉમેદવારોનો Resume એકસરખો ન હોવો જોઈએ

જો તમે પહેલી નોકરી શોધી રહ્યા છો, તો તમારા Resume માં અભ્યાસ, પ્રોજેક્ટ, ઇન્ટર્નશિપ, કમ્પ્યુટર જ્ઞાન અને તમે શીખેલી બાબતોને મહત્વ આપો. નોકરીનો અનુભવ ન હોવાનો અર્થ એ નથી કે Resume માં રજૂ કરવા માટે તમારી પાસે કંઈ નથી.

બીજી તરફ, જો તમે અગાઉ કોઈ કંપનીમાં કામ કર્યું હોય, તો તમારા અનુભવને યોગ્ય રીતે દર્શાવવો જરૂરી છે. તમે કઈ કંપનીમાં કામ કર્યું, તમારો હોદ્દો શું હતો, કેટલા સમય સુધી કામ કર્યું અને તમારી જવાબદારીઓ શું હતી તે લખો. તમારા કામ દરમિયાન કોઈ સારી સિદ્ધિ મેળવી હોય તો તેનો પણ ઉલ્લેખ કરી શકો છો.

4. Resume ની ડિઝાઇન સાદી અને પ્રોફેશનલ રાખો

Resume બનાવતી વખતે ઘણી વખત ઉમેદવારો તેને આકર્ષક બનાવવા માટે વધુ રંગો, અલગ-અલગ ફોન્ટ્સ અને ગ્રાફિક્સનો ઉપયોગ કરે છે. પરંતુ Resume સુંદર દેખાય તેની સાથે વાંચવામાં સરળ હોવો પણ એટલો જ જરૂરી છે.

સાદું લેઆઉટ, યોગ્ય હેડિંગ, વાંચી શકાય તેવા ફોન્ટ અને વ્યવસ્થિત રીતે ગોઠવેલી માહિતી તમારા Resume ને વધુ પ્રોફેશનલ બનાવે છે. ખાસ કરીને ઓનલાઈન નોકરી માટે અરજી કરતી વખતે સાદું અને સ્પષ્ટ ફોર્મેટ રાખવું વધુ યોગ્ય રહે છે.

5. Skills લખતી વખતે માત્ર નામ આપવાને બદલે યોગ્ય કૌશલ્ય પસંદ કરો

ઘણા Resume માં MS Office, Communication Skills, Teamwork, Leadership જેવી Skills જોવા મળે છે. પરંતુ દરેક નોકરી માટે આ તમામ કૌશલ્ય સમાન રીતે ઉપયોગી હોય એવું નથી.

ઉદાહરણ તરીકે, Computer Operator ની નોકરી માટે ટાઇપિંગ, કમ્પ્યુટર જ્ઞાન અને MS Office ઉપયોગી બની શકે છે. જ્યારે Field Officer ની નોકરી માટે ફિલ્ડ વર્ક, રિપોર્ટિંગ, લોકો સાથે વાતચીત કરવાની ક્ષમતા અને ટીમ સાથે કામ કરવાની આવડત વધુ મહત્વની હોઈ શકે છે.

તેથી તમે જે નોકરી માટે અરજી કરો છો, તેના પ્રમાણે તમારી Skills પસંદ કરો. તમારી પાસે ખરેખર જે આવડત છે તે જ Resume માં લખો, જેથી ઇન્ટરવ્યુ દરમિયાન પણ તમે આત્મવિશ્વાસથી તેના વિશે વાત કરી શકો.

6. અગાઉના કામનો અનુભવ યોગ્ય રીતે રજૂ કરો

જો તમે અગાઉ નોકરી કરી હોય, તો માત્ર કંપનીનું નામ અને હોદ્દો લખવાથી તમારી કામગીરી વિશે પૂરતી માહિતી મળતી નથી. તમે ત્યાં કઈ જવાબદારીઓ સંભાળતા હતા અને રોજિંદા કામમાં તમારી ભૂમિકા શું હતી તે પણ લખવું જોઈએ.

ઉદાહરણ તરીકે, જો તમે Field Officer તરીકે કામ કર્યું હોય, તો માત્ર Field Officer લખવાને બદલે ફિલ્ડ મુલાકાત, ડેટા એકત્રિત કરવો, રિપોર્ટ તૈયાર કરવો અથવા લાભાર્થીઓ સાથે સંકલન કરવું જેવી જવાબદારીઓનો ઉલ્લેખ કરી શકો છો, જો તમે ખરેખર આ કામ કર્યું હોય.

આવી વિગતો વાંચીને ભરતી કરનારને તમારા કામનો અંદાજ આવે છે અને તમારી પ્રોફાઇલ સમજવામાં સરળતા રહે છે.

7. દરેક નોકરી માટે Resume માં થોડો ફેરફાર કરો

ઘણા ઉમેદવારો એક જ Resume દરેક કંપનીમાં મોકલે છે. પરંતુ દરેક નોકરીની જરૂરિયાત અલગ હોય છે. ક્યાંક અનુભવને વધુ મહત્વ આપવામાં આવે છે, તો ક્યાંક શૈક્ષણિક લાયકાત અથવા ચોક્કસ કૌશલ્ય જરૂરી હોય છે.

નોકરી માટે અરજી કરતાં પહેલાં તેની જાહેરાત ધ્યાનથી વાંચો. કંપની કઈ લાયકાત અને અનુભવ માંગે છે તે સમજીને તમારા Resume માં સંબંધિત વિગતોને યોગ્ય સ્થાન આપો.

આનો અર્થ Resume માં ખોટી માહિતી ઉમેરવી નથી, પરંતુ તમારી પાસે રહેલી લાયકાત અને અનુભવમાંથી નોકરી માટે ઉપયોગી બાબતોને વધુ સારી રીતે રજૂ કરવી છે.

8. Resume માં થતી સામાન્ય ભૂલો ટાળો

Resume તૈયાર થઈ જાય પછી ઘણી વખત ઉમેદવારો તેને તપાસ્યા વગર સીધો મોકલી દે છે. પરંતુ નાની ભૂલો પણ તમારી પ્રોફાઇલની છાપને અસર કરી શકે છે.

Resume મોકલતાં પહેલાં આ બાબતો ખાસ તપાસો :

  • નામ અને મોબાઈલ નંબર સાચા છે કે નહીં
  • ઈમેલ એડ્રેસ યોગ્ય છે કે નહીં
  • શિક્ષણ અને અનુભવની વિગતોમાં કોઈ ભૂલ નથી ને
  • Spelling અને Grammar બરાબર છે કે નહીં
  • બિનજરૂરી વ્યક્તિગત માહિતી ઉમેરેલી નથી ને
  • Resume ખૂબ લાંબો તો નથી ને
  • દરેક નોકરી માટે એક જ Resume મોકલી રહ્યા નથી ને

શક્ય હોય તો Resume કોઈ અન્ય વ્યક્તિ પાસે પણ એકવાર વાંચાવી લો. ઘણી વખત પોતાની લખેલી ભૂલો આપણને પોતાને ધ્યાનમાં આવતી નથી.

9. Resume સુધારવા માટે AI નો ઉપયોગ કરી શકો છો

આજના સમયમાં ChatGPT જેવા AI ટૂલ્સ Resume તૈયાર કરવામાં અને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. તમે તમારા Resume ની ભાષા સુધારવા, Grammar તપાસવા, Job Description મુજબ જરૂરી Skills સમજવા અથવા તમારા કામના અનુભવને વધુ સારી રીતે લખવા માટે AI નો ઉપયોગ કરી શકો છો.

પરંતુ AI જે લખે તે બધું તમારા Resume માં સીધું ઉમેરવું યોગ્ય નથી. કેટલીક વખત તે એવી Skills અથવા જવાબદારીઓ પણ સૂચવે છે જે તમારી પાસે વાસ્તવમાં ન હોય. તેથી AI ની મદદ લીધા પછી દરેક વિગતો જાતે તપાસો અને તમારા સાચા અનુભવ મુજબ જ Resume તૈયાર કરો.

10. Resume મોકલતાં પહેલાં એકવાર જરૂર તપાસો

Resume તૈયાર કરવામાં સમય આપ્યા પછી તેને મોકલતાં પહેલાં થોડી મિનિટો તેની તપાસ માટે પણ આપો. આ નાની બાબતો ભૂલોથી બચાવી શકે છે.

  • નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ સાચા છે?
  • શિક્ષણ અને અનુભવની વિગતો યોગ્ય છે?
  • Spelling અથવા Grammar ની ભૂલો નથી?
  • Resume વાંચવામાં સરળ છે?
  • નોકરીને અનુરૂપ Skills ઉમેરેલી છે?
  • Resume PDF Format માં સેવ કર્યો છે?
  • ફાઇલનું નામ યોગ્ય રાખ્યું છે? જેમ કે YourName_Resume.pdf

ફાઇલનું નામ પણ વ્યવસ્થિત રાખો. Final Resume New Latest 2.pdf જેવા નામની જગ્યાએ તમારા નામ સાથે Resume લખેલું ફાઇલ નામ વધુ પ્રોફેશનલ લાગે છે.

છેલ્લે એક વાત યાદ રાખો

સારો Resume તમારી તમામ લાયકાતોનો લાંબો પરિચય હોવો જરૂરી નથી. તેમાં એવી માહિતી હોવી જોઈએ જે ભરતી કરનારને તમારી પ્રોફાઇલ સમજવામાં અને તમને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં મદદ કરે.

Resume તૈયાર કરતી વખતે દેખાવ કરતાં તેની અંદરની માહિતી પર વધુ ધ્યાન આપો. તમારી લાયકાત, અનુભવ અને કૌશલ્ય સાચી રીતે રજૂ કરો, દરેક નોકરી માટે જરૂરી ફેરફાર કરો અને મોકલતાં પહેલાં એકવાર તપાસવાનું ભૂલશો નહીં.

Resume સીધો નોકરી અપાવશે તેની ખાતરી નથી, પરંતુ સારો Resume તમને ઇન્ટરવ્યુ સુધી પહોંચવાની તક જરૂર વધારી શકે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *